વચનામૃત ગઢડા મધ્યનું - ૪૬
સંવત ૧૮૮૦ના પોષ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પીળી છીંટની રજાઈ ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને ઝાંઝ-મૃદંગ લેઈને સંત કીર્તન ગાવતા હતા.
૧ પછી કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) આ સંસારને વિષે જે સત્પુરુષ હોય તેને તો કોઈક જીવને લૌકિક પદાર્થની હાણ્ય-વૃદ્ધિ થાતી દેખીને તેની કોરનો હર્ષ-શોક થાય નહિ, અને જ્યારે કોઈકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્યારે ખરખરો થાય છે કાં જે થોડાક કાળ જીવવું ને એનો પરલોક બગડશે માટે એને મોટી હાણ્ય થાય છે. (૧) અને ભગવાનના જે અવતાર પૃથ્વીને વિષે થાય છે તે ધર્મના સ્થાપનને અર્થે થાય છે તે કેવળ વર્ણાશ્રમના ધર્મ સ્થાપન કરવાને અર્થે જ નથી થાતા, કેમ જે વર્ણાશ્રમના ધર્મ તો સપ્તર્ષિ આદિક જે પ્રવૃત્તિધર્મના આચાર્ય છે, તે પણ સ્થાપન કરે છે. માટે એટલા સારુ જ ભગવાનના અવતાર નથી થાતા; ભગવાનના અવતાર તો પોતાના એકાંતિક ભક્તના જે ધર્મ તેને પ્રવર્તાવવાને અર્થે થાય છે. (૨) અને વળી જે એકાંતિક ભક્ત છે તેને દેહે કરીને મરવું એ મરણ નથી; એને તો એકાંતિકના ધર્મમાંથી પડી જવાય એ જ મરણ છે, તે જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૈયામાં અભાવ આવ્યો ત્યારે એ ભક્ત એકાંતિકના ધર્મમાંથી પડ્યો જાણવો, અને તે જો ક્રોધે કરીને પડ્યો હોય તો તેને સર્પનો દેહ આવ્યો જાણવો, અને કામે કરીને પડ્યો હોય તો યક્ષ-રાક્ષસનો અવતાર આવ્યો જાણવો, માટે જે એકાંતિકના ધર્મમાંથી પડીને એવા દેહને પામ્યા છે, ને જો તે ધર્મવાળા હોય અથવા તપસ્વી હોય તોપણ તે ધર્મે કરીને તથા તપે કરીને દેવલોકમાં જાય, પણ જેણે ભગવાનનો ને ભગવાનના સંતનો અભાવ લીધો તે તો ભગવાનના ધામને તો ન જ પામે. (૩) અને વળી જે પંચમહાપાપે યુક્ત હોય ને તેને જો ભગવાન ને ભગવાનના સંતને વિષે અવગુણ ન આવ્યો હોય, તો એનાં પાપ નાશ થઈ જાય ને એનો ભગવાનના ધામમાં નિવાસ થાય, માટે પંચમહાપાપ થકી પણ ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લેવો એ મોટું પાપ છે. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૪૬।। (૧૭૯)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં જેને કોઈક જીવને લૌકિક પદાર્થની હાણ્ય-વૃદ્ધિ થતી દેખીને હર્ષ-શોક ન થાય, અને મોક્ષના માર્ગમાંથી પાછો પડે ત્યારે ખરખરો થાય તેને સત્પુરુષ કહ્યા છે. (૧) અને અમે એકાંતિક ભક્તના ધર્મ પ્રવર્તાવવાને અર્થે પૃથ્વીને વિષે પ્રગટ થઈએ છીએ. (૨) અને અમારો કે અમારા સંત એટલે સિદ્ધ મુક્તનો અભાવ આવે તે એકાંતિક ધર્મમાંથી પડ્યો જાણવો, ને એ જ એનું મરણ છે. તે જો અમારે વિષે ને અમારા મુક્તને વિષે ક્રોધ પરઠીને અભાવ લે, તો તેને સર્પ જાણવો; અને જો અમારે કે અમારા મુક્તને વિષે કામ પરઠીને અભાવ લે તો તેને યક્ષ-રાક્ષસ જાણવો, અને તે ધર્મવાળો કે તપસ્વી હોય તો દેવલોકને પામે, પણ અમારા ધામને તો ન જ પામે. (૩) અને પંચ મહાપાપીને પણ જો અમારો કે અમારાં બત્રીસ લક્ષણે યુક્ત સંતનો અવગુણ ન આવ્યો હોય તો એનાં પાપ નાશ થાય, ને અમારા અક્ષરધામને પામે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૪) બાબતો છે.
૧ પ્ર. ત્રીજી બાબતમાં અમારો કે અમારા ભક્તનો અવગુણ આવે એમ કહ્યું તે ભક્તનો અવગુણ તો આવે ખરો, પણ ભગવાનનો અવગુણ શી રીતે આવતો હશે ?
૧ ઉ. શ્રીજીમહારાજ જ્યારે મનુષ્ય રૂપે વિરાજતા હોય ત્યારે વાંક વિના વારંવાર વઢે, અથવા કોઈકને વારંવાર બોલાવે, પ્રસાદી આપે, વખાણે ને એને બોલાવે નહિ ને વખાણે નહિ, તે જોઈને એના મનમાં એમ થાય જે મને તો વારંવાર વઢ્યા કરે છે, ને બોલાવતા કે વખાણતા નથી એમ અવગુણ આવે. અને મનુષ્ય રૂપે વિચરતા ન હોય, ત્યારે પણ શ્રીજીમહારાજે મંદિરો કરાવીને મૂર્તિઓ પધરાવી છે તથા ત્યાગી-ગૃહી, બાઈ-ભાઈના જે જે ધર્મ કહ્યા છે, ને ધોરણ બાંધ્યાં છે તેમાં આશંકા થાય જે આ ઠીક નથી કર્યું, તે શ્રીજીમહારાજનો અવગુણ આવ્યો જાણવો.
૨ પ્ર. કેવી રીતે પડે તે ક્રોધે કરીને ને કામે કરીને પડ્યો કહેવાય ? અને સર્પ ને રાક્ષસનો અવતાર તે આ દેહે આવ્યો જાણવો કે દેહ પડ્યા કેડે આવતો હશે ? ને દેવલોક કિયા જાણવા ?
૨ ઉ મોટા સંતમાં ક્રોધ ન હોય ને પરઠે તે ક્રોધે કરીને પડ્યો જાણવો, અને મોટા સંતમાં કામ ન હોય ને પરઠે તે કામે કરીને પડ્યો જાણવો. અને છતી દેહે જ જે વખતે ક્રોધ આવે તે વખતે જ સર્પનો દેહ જાણવો, એટલે તેને તે વખતે સર્પ જેવો જાણવો અને જે વખતે મોટાને વિષે કામ પરઠે તે વખતે યક્ષ-રાક્ષસના જેવો જાણવો. અને આ ઠેકાણે ઇન્દ્ર તથા બ્રહ્માના લોકને દેવલોક જાણવા.
૩ પ્ર ભગવાન કે ભગવાનના ભક્તનો અવગુણ લેવો તે પંચમહાપાપથી મોટું પાપ કહ્યું ને વળી તેને દેવલોકની પ્રાપ્તિ કહી, તે એવા પાપીને દેવલોકની પ્રાપ્તિ શાથી થતી હશે ?
૩ ઉ. કિંચિત્ અભાવ આવ્યો હોય ને તે માફ ન કરાવ્યો હોય તેને દેવલોકની પ્રાપ્તિ થાય, અને જેનો અભાવ આવ્યો હોય તેને રાજી કરે તો મોક્ષ થાય, અને ઝાઝો અવગુણ આવે તેનો તો જીવ પણ નાશ પામે એમ (છે. ૧૨ ૧/૨માં) કહ્યું છે.
૪ પ્ર. જેને ભગવાનનો કે સંતનો અવગુણ ન આવ્યો હોય તેના પંચમહાપાપ બળી જાય, ને તે ધામને પામે એમ કહ્યું તે આ જન્મે જ પામે કે બીજો જન્મ ધરવો પડે ?
૪ ઉ. શ્રીજીમહારાજનો ને સંતનો અવગુણ ન આવે તેણે કરીને તે સત્સંગમાં આવીને ભગવાન ભજીને ધર્મ પાળીને ધામમાં જાય, અને કદાપિ એ ને એ દેહે સત્સંગમાં ન આવે તો બીજે જન્મે એને શ્રીજીમહારાજ સત્સંગમાં લાવે, ને પોતાના મુક્તનો યોગ આપે તે મુક્તનો યોગ ને સેવા કરે, પછી મુક્ત થઈને ધામને પામે પણ યથાર્થ જ્ઞાન થયા વિના ધામને પામે નહિ, માટે ધામને પામે એમ કહ્યું છે તે આવી રીતે પામે એમ કહ્યું છે પણ જે સત્સંગમાં આવીને પાપ કરે તેને તો (પ્ર. ૭૭ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) જ્ઞાનનું કે ભક્તિનું બળ લઈને ધર્મને ખોટા કરે તેને અસુર, ગુરુદ્રોહી, વચનદ્રોહી ને વિમુખ કહ્યો છે. તથા (મ. ૩૫/૪માં) ધર્મ ન પાળે તે તો મહાદુષ્ટ છે ને તેનું કલ્યાણ ન થાય એ સિદ્ધાંત કહ્યો છે. ।।૪૬।।